← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગોકુળની ગોપી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગોકુળમાં
હવે ટૂરિસ્ટ બસો આવે છે.

ઘાટ પાસે
એક ઘરડી ગોવાલણ
માખણની વાટકીઓ વેચે છે —
દસ રૂપિયે એક.

ગઈ કાલે
એક શામળો છોકરો
ભીડમાંથી સરકીને
એક વાટકી ઉપાડી ભાગ્યો.

લોકોએ બૂમ પાડી:
‘ચોર! ચોર!’

ગોવાલણ
ઊભી થઈ,
કમરે હાથ મૂક્યો,
ને પછી
કોણ જાણે કેમ
હસી પડી.

પૈસા માગ્યા નહીં.
બસ,
જમુના તરફ જોતી રહી —

કદાચ
એ જ
પાછો આવ્યો હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસરખાં હતાંઆગલો લેખ →ખબર ક્યાં?