ઘંટીનું ગીત
ઘરર ઘરર ઘંટી ફરે, ને ફરે મારું મન,
દાણા સાથે દળાય જાણે મારું આખું જીવન.
પરોઢિયે ઊઠી ઘંટી માંડું, ગાઉં મીઠાં ગાણાં,
ઘઉં દળું કે દુઃખ દળું, કોણ ગણે એ દાણા?
લોટ ઊડી વાળે ચડે, ને ઘડપણ પહેરે જોબન…
ઘરર ઘરર ઘંટી ફરે…
સાસુ કહે: ‘ઝીણો લોટ’, ને પિયુ કહે: ‘ઝટ ચાલ’,
પિયરની યાદો દળાતી, ઊડે લોટ-ગુલાલ;
ઘંટીના બે પડની વચ્ચે પીસાય મારું મન…
ઘરર ઘરર ઘંટી ફરે…
પરાગ કહે: આ ઘંટી નથી, આ તો સમયનું ચક્ર,
જે દળાય એ રોટલો થાય, ભલે મારગ હોય વક્ર;
ભૂખ્યાં પેટ ભરાય ત્યાં જ, દળણું બને સ્તવન…
ઘરર ઘરર ઘંટી ફરે…
– પરાગ રતનપરા