← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘરવાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું છે તો આ ઘર છે, બાકી ચાર દીવાલો ખાલી,
તું છે તો તુલસીએ દીવો, તું છે તો દિવાળી.

સવાર પડે ને ચાનો કપ, ને ટિફિનમાં તારું વહાલ,
મોજાં ક્યાં, ચાવી ક્યાં — તું જ જાણે સૌના હાલ;
ઘરની ઘડિયાળ તું જ, તારાથી ચાલે ચાલી.
તું છે તો આ ઘર છે…

માંદો પડું તો રાતભર તું ઉકાળા લઈ જાગે,
ને તું માંદી પડે, તો ય રસોડે જ ભાગે;
‘મને કશું નથી,’ કહીને તું હસી પડે છે ઠાલી.
તું છે તો આ ઘર છે…

પરાગ કહે: ઘણા કવિએ ગાયાં માનાં ગીત,
ઘરવાળી પર લખ્યું કોણે? એ જ જગની રીત;
આજ લખું છું: તું જ મારી લક્ષ્મી, તું જ વ્હાલી.
તું છે તો આ ઘર છે, બાકી ચાર દીવાલો ખાલી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસાહેબઆગલો લેખ →ક્યારે આવશે?