ઘર આવતાં
ઑફિસે જે ગર્જના, એ ઊતરે ઘર આવતાં,
ને જગતને જે ડરાવે, થરથરે ઘર આવતાં.
દોસ્તને એ રોફથી બોલે, ‘ઘરે મારું જ રાજ’,
એ ય ખોટો રોફ સઘળો ઓસરે ઘર આવતાં.
જે સભામાં ભાષણો દે, દેશને દોરે સદા,
‘શાક લાવું?’ એમ પૂછી કરગરે ઘર આવતાં.
ઑફિસે આખો દિવસ જે ફાઇલો ફેંક્યા કરે,
એ જ ચાદર ને પથારી પાથરે ઘર આવતાં.
મંચ પર ગઝલો પરાગે ગાઈ, ઢગ તાળી મળી,
માત્ર ‘હા જી’ એટલું બસ સાંભરે ઘર આવતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #પતિપત્ની #ઘરસંસાર #ગૃહમંત્રી #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #HusbandWife #HomeRule #MarriedLife #ParagRatanpara