ગરબો
ગરબે ઘૂમે રે મારી માવડી, ઝગમગ દીવડા સંગ,
ચાચર ચોકે રમવા આવી, ઓઢી ચૂંદડી રંગ.
ઢોલ ઢબૂકે, ઝાંઝર ઝમકે, તાળી પડે તાલે,
સખીઓ સંગે ઘૂમે રાધા, શ્યામ નિરખે વ્હાલે;
નવ નવ રાતે નવલું તેજ, નવલો ઊગ્યો ઉમંગ…
ગરબે ઘૂમે રે…
ગરબાનાં છિદ્રે છિદ્રે તારા, આભ ઊતર્યું ગામ,
માથે ગરબો મૂકી ચાલી ગોરી, જાણે બ્રહ્માંડ તમામ;
માના પગલે પગલે ઊગ્યા કંકુવરણા રંગ…
ગરબે ઘૂમે રે…
પરાગ કહે: આ ગરબો તો છે જીવનનો ઘટ-દીવો,
ભીતર દીવો બળતો રાખો, પછી ઝૂમીને જીવો;
માડી, તારા તેજે ઝળહળે અમારો અંગેઅંગ…
ગરબે ઘૂમે રે…
– પરાગ રતનપરા