← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાગરની દોરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વહેલી પરોઢે વાવ્યે ચાલી, ગાગર લઈને માથે, રે સૈયર મોરી,
ઝાંઝરનો ઝમકાર સૂતેલા ગામને જગાડે સાથે, રે સૈયર મોરી.

પગથિયે પગથિયે ઊતરું ત્યાં પાણીમાં ચાંદો દીઠો,
ગાગર બોળું કેમ કરીને? લાગે એ તો મીઠો;
ચાંદો ભરીને પાછી વળી, ને છલકાયો રે હાથે, રે સૈયર મોરી…
વહેલી પરોઢે…

વાટે મળ્યો ગોવાળિયો, એણે વાંસળી છેડી ઝીણી,
ગાગરની દોરી છૂટી ગઈ ને લાજ ગઈ ત્યાં ભીની;
માડી પૂછે: ‘પાણી ક્યાં?’ હું તો જોઉં ભીંજાયેલે ભાથે, રે સૈયર મોરી…
વહેલી પરોઢે…

પરાગ કહે: આ વાવ સુકાઈ, નળ આવ્યા ઘરઘરમાં,
ગાગર ગઈ, ગોવાળ ગયો, ને ગીત રહ્યાં બસ સ્વરમાં;
હવે ન કોઈ ચાંદો બોળે, ઝાંઝર કોઈ ન ગાથે, રે સૈયર મોરી…
વહેલી પરોઢે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગગન તારુંઆગલો લેખ →પાયો હતો