ફ્રિજની સભા
મધરાતે
ફ્રિજમાં સભા ભરાઈ.
કોબીજ બોલી:
‘મને તો અઠવાડિયું થયું,
કોઈ પૂછતું ય નથી.’
લીંબુ ચીમળાઈને બોલ્યું:
‘મને તો લાવ્યા'તા
શરબત માટે,
ને હવે હું જ શરબત જેવું
પાણી પાણી થઈ ગયું છું.’
દૂધની થેલી ધ્રૂજતી હતી:
‘મને તો કાલે સવારે જ
ઉકાળી નાખશે.’
ખૂણામાં બેઠેલી
ગઈ દિવાળીની
મીઠાઈની ડબ્બી
ધીમેથી બોલી:
‘તમે બધાં નસીબદાર છો.
મને તો
કોઈ ખાતું ય નથી,
ને ફેંકતું ય નથી —
બસ, ‘વેસ્ટ નહીં કરવાનું’
કહીને સાચવી રાખે છે.’
ને બારણું ખૂલ્યું.
અજવાળું થયું.
સૌ ચૂપ.
ઘરનો માલિક
પાણીની બાટલી લઈને
પાછો ઊંઘી ગયો.
– પરાગ રતનપરા