ફૂલની ભાષા
ફૂલો બોલે ધીમી ભાષા, સાંભળવી હો તો સાંભળ,
પાંખડીએ પાંખડીએ લખિયો કુદરતનો એક કાગળ.
ગુલાબ કહે: ‘કાંટા વચ્ચે પણ હસવું છે, ભાઈ, હસવું’,
કમળ કહે: ‘કાદવમાં રહીને કાદવથી ન ખરડાવું’;
મોગરો કહે: ‘રાતે મ્હેકો, ભલે ન જુએ કોઈ આગળ’…
ફૂલો બોલે…
સૂરજમુખી સૂરજ સામે ફરે, શીખવે શ્રદ્ધા,
પારિજાત તો રાતે ખરીને પાથરે અર્ઘ્ય-સુગંધા;
ગલગોટો ગામઠી, તોય માના તોરણનો એ મંગળ…
ફૂલો બોલે…
પરાગ કહે: આ ફૂલની ભાષા ભણ્યા વિના સમજાય,
જે હૈયું કોમળ રાખે, એને સૌ અક્ષર વંચાય;
ખરી પડે તો ય ખુશ્બૂ મૂકે — એવું જીવન ઝળહળ…
ફૂલો બોલે…
– પરાગ રતનપરા