ફ્લૅટનું સુખ
મારા ફ્લૅટમાં સુખની નળી, ભાઈ, ટપ ટપ ટપકે,
લિફ્ટ અટકે, લાઇટ જાય, ને મેઇન્ટેનન્સ ઝબકે.
દસમે માળે ઘર છે, પણ આકાશ ક્યાં દેખાય?
સામે બીજો ટાવર ઊભો, બારી બંધ રખાય;
કૂંડામાં એક તુલસી રોપી, એ પણ ધીમે ધબકે…
મારા ફ્લૅટમાં…
સોસાયટીની મીટિંગમાં તો રોજ નવા કાનૂન,
‘કૂતરાં નહીં, બાળક નહીં, ને હસવાનું પણ મ્યૂટ’;
ચોકીદાર સલામ ઠોકે, ને ઈ.એમ.આઈ. ચટકે…
મારા ફ્લૅટમાં…
પરાગ કહે: ગામડે અમારું ઘર હતું નળિયાંવાળું,
ચકલી, ગાય, ને આખું ફળિયું, ખુલ્લું ને રૂપાળું;
અહીં તો સપનાં પણ હવે તો હપ્તા સાથે અટકે…
મારા ફ્લૅટમાં…
– પરાગ રતનપરા