ફકીરી
નથી પાસ પૈસો, મજાની ફકીરી,
છતાં રાજવી શી દિવાની ફકીરી.
હતા તાજ, તખ્તા, બધા ધૂળ ભેગા,
રહી છે અમર બસ કહાની ફકીરી.
ગયાં વર્ષ, ગ્યા વાળ, ગ્યું રૂપ સઘળું,
છતાં છે હૃદયમાં જવાની ફકીરી.
ભલે હાથ ખાલી, ભરેલું હૃદય છે,
મળી રામ નામે નિશાની ફકીરી.
હવામાં ‘પરાગે’ લુટાવી સુગંધી,
રહી ડાળ પર બસ સુહાની ફકીરી.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીરી #મસ્તી #ખુમારી #રામનામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Faqiri #Contentment #InnerRichness #Detachment #ParagRatanpara