← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક વરદાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હે ઈશ્વર,
તેં પૃથ્વી ગોળ બનાવી,
જેથી ક્યાંય કોઈ ખૂણો ન રહે.

અમે એના પર
લીટીઓ દોરી
ને નામ આપ્યું: સરહદ.

પંખીઓ હજી
વિઝા વિના ઊડે છે,
વાદળ હજી
પાસપોર્ટ વિના વરસે છે,
નદીઓ હજી
કોઈને પૂછ્યા વિના
પડોશી દેશમાં વહી જાય છે.

પ્રભુ,
બીજું કશું ન માગું —
બસ, અમને પણ
થોડા પંખી,
થોડા વાદળ,
થોડી નદી બનાવ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનગરનો વનવાસઆગલો લેખ →ફકીરી