એલાર્મનું ગીત
ટ્રિન ટ્રિન વાગે એલાર્મ મારું, ટ્રિન ટ્રિન વાગે રોજ,
હું તો ‘સ્નૂઝ’ દબાવું ભાઈ, ને ઊંઘની માણું મોજ!
રાતે નક્કી કરું: ‘કાલથી ઊઠીશ પાંચ વાગે,
યોગ કરીશ, ચાલવા જઈશ, જીવન નવું જાગે’;
સવારે પાંચે મન કહે: ‘ભાઈ, ઠંડી કેટલી છે આજ!’
ટ્રિન ટ્રિન વાગે…
છ વાગે, સાત વાગે, પછી વાગે સાડા આઠ,
ઑફિસ જાવા દોડું ત્યારે છૂટે ચા ને પાઠ;
બૉસ પૂછે: ‘કેમ મોડું?’ કહું: ‘ટ્રાફિક હતો આજ!’
ટ્રિન ટ્રિન વાગે…
પરાગ કહે: આ નિયમિતતા નામની ચીજ બહુ મોંઘી,
એલાર્મ તો જાગે સમયસર, આપણ ઊંઘ્યા જ ઊંઘી;
કૂકડાએ પણ રાજીનામું આપ્યું — ‘નકામું મારું કાજ!’
ટ્રિન ટ્રિન વાગે…
– પરાગ રતનપરા