← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકલપંડો મારગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડુંગર ઊંચો, કેડી સાંકડી, કોઈ ન ઝાલે હાથ,
મારો પડછાયો જ બન્યો રે મારો એક સંગાથ.

પગમાં કાંટા, માથે તડકો, ગળે સુકાયો સાદ,
પાછળ વળીને જોઉં તો દેખાય ન કોઈ યાદ;
ઝરણું ખળખળ બોલ્યું: ‘ભાઈ, થાક્યો? બેસ ઘડીક સાથ.’
મારો પડછાયો જ બન્યો રે…

ટોચે પ્હોંચી ઊભો ત્યારે નીચે નાનું ગામ,
જેને માટે દોડ્યો આખો ભવ, એ ધૂળનું ધામ;
વાદળ આવી કાનમાં બોલ્યું: ‘ઊંચે એકલ નાથ.’
મારો પડછાયો જ બન્યો રે…

પરાગ કહે: આ શિખરે પ્હોંચી સમજાઈ એક વાત,
ચડતાં તો સૌ શીખવે, પણ ઊતરવાની કોણ દે સોગાત?
ઢળતા સૂરજે પડછાયાએ ઝાલ્યો મારો હાથ…
મારો પડછાયો જ બન્યો રે મારો એક સંગાથ.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆપણેઆગલો લેખ →કીબોર્ડના યોદ્ધા