← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એ જગ્યા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યાં મેં
તને પહેલી વાર
‘ગમે છે’ કહ્યું હતું,
ત્યાં હવે
મોલ ઊભો છે.

તે દિવસે ત્યાં
ગુલમહોર હતો,
ને એક બાંકડો,
ને બાંકડા પર
આપણાં બે નામ
ચાકુથી કોતરેલાં.

હું આજે ત્યાં ગયો.
એસ્કેલેટર પર
ઊભો રહ્યો,
ઉપર ગયો, નીચે આવ્યો,
ફરી ઉપર ગયો.

ગાર્ડે પૂછ્યું:
‘સાહેબ, કંઈ શોધો છો?’

મેં કહ્યું:
‘હા, એક બાંકડો.’

એ હસ્યો.
મને ખબર છે —
ગુલમહોરનાં મૂળ
હજી ત્યાં જ છે,
આ આરસના તળિયા નીચે,
ને મારી છાતીમાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખક્ષણનાં બોરઆગલો લેખ →મૃગજળ છે