દ્વારકાની રાત
દ્વારકાના મહેલમાં
સોનાના પલંગ પર
કૃષ્ણ પડખાં ફેરવે છે.
રુક્મિણી પૂછે છે:
‘ઊંઘ નથી આવતી, નાથ?’
કૃષ્ણ હસીને કહે છે:
‘ના, આ તો દરિયાનો અવાજ…’
પણ મધરાતે
દ્વારકાધીશ
ચોરીછૂપીથી
મહેલના રસોડે જાય છે,
ઊંચે બાંધેલું
શીકું શોધે છે.
માખણ મળે છે,
માટલાં મળે છે,
ચાંદીના વાટકા મળે છે —
પણ કોઈ યશોદા નથી
જે ખીજાઈને
કાન પકડે
ને પછી
એ જ કાનમાં
હળવેથી કહે:
‘મારો લાલો…’
– પરાગ રતનપરા