ધૂળેટી પછીની સવાર
ધૂળેટી પછીની સવારે
રસ્તા
મેઘધનુષ જેવા લાગતા હતા —
લાલ, લીલા, પીળા, ગુલાબી.
સૌ મોડે સુધી ઊંઘતા હતા,
રંગ ધોઈને,
થાકીને.
માત્ર સફાઈવાળી રમીલા
વહેલી સવારે
સાવરણો લઈ નીકળી.
આખો દિવસ
એણે ગામના રંગ વાળ્યા,
ઢગલા કર્યા,
ટોપલે ભર્યા.
સાંજે
ઘેર પહોંચી,
ત્યારે એના ગાલ પર
કોઈએ ગુલાલ નહોતો લગાડ્યો.
પણ એની હથેળીઓ
આખા ગામના રંગથી
લાલ-પીળી હતી —
એ જ એની ધૂળેટી.
– પરાગ રતનપરા