ઢેલ ને મોર
મોરલો બોલ્યો ડુંગરડે, ને ઢેલડી બોલી વાડે,
ઝરમર ઝરમર મેહુલો વરસે, કોણ કોને સંભારે?
મોરલો કહે: ‘મારાં પીંછાં જો, સાત રંગની ચૂંદડી,
નાચું ત્યારે આભ નમે, ને ઝૂકે ડાળી-ડૂંખડી;’
ઢેલ કહે: ‘તારાં પીંછાં સુંદર, પણ પગ જો તારા ભાળે…’
ઝરમર ઝરમર મેહુલો…
મોરલો રિસાયો, ઊડી બેઠો, આંબલિયાની ડાળે,
ઢેલડી હસી, ટહુકી બોલી: ‘રિસાઈ ગ્યો શેના કાળે?
પગ ભલે ને કાળા કાળા, ધરતીએ જ તને પાળે…’
ઝરમર ઝરમર મેહુલો…
પરાગ કહે: આ મોર-ઢેલની વાત નથી રે બેની,
રૂપ ભલે ને આભે ઊડે, મૂળ ધરતીની હેલી;
પીંછાં સાથે પગને ચાહે, એ જ પ્રેમ અજવાળે…
ઝરમર ઝરમર મેહુલો…
– પરાગ રતનપરા