ઢીંગલીનું ગીત
ઢીંગલી મારી રૂપાળી, એને આંજું કાજળ કાળું,
એને કાને ઝૂમખાં ને માથે ઓઢણું ઢાળું.
ઢીંગલીને મેં ઓઢણી ઓઢાડી, કંકુ ચાંલ્લો કીધો,
પીપળાની છાયામાં એનો માંડવો મેં બાંધી દીધો;
ઢીંગલો આવ્યો ઘોડે ચડીને, ઢોલ વગાડે મોતી…
ઢીંગલી મારી રૂપાળી…
વિદાય વેળા ઢીંગલી રોઈ કે હું રોઈ, કોણ જાણે,
બાએ મારાં આંસુ લૂછ્યાં ને હસી પડી સાવ ટાણે;
‘રમતમાં આમ રડે છે, ત્યારે શું કરીશ તું સાચે?’…
ઢીંગલી મારી રૂપાળી…
પરાગ કહે: આજે બાના ઘરથી દીકરી ચાલી,
માળિયામાંથી ઢીંગલી બોલી: ‘લે, હવે તારો વારો, વહાલી!’
રમતમાં જે ગીત ગાયું'તું, આજ ગવાયું સાચે…
ઢીંગલી મારી રૂપાળી…
– પરાગ રતનપરા