ઢળતી સાંજની ઇચ્છા
ઢળતી સાંજે ઇચ્છાઓ મારી પાછી વળી રે ઘેર,
દિવસ આખો રખડી આવી, પગમાં ધૂળની સેર.
કોઈ ઇચ્છા મહેલ ચણવા દોડી'તી શહેર,
કોઈ ઇચ્છા ચાંદ પકડવા ચડી'તી ઊંચી લહેર;
પાંખો તૂટી, પગ થાક્યા, તોયે ન ઊતર્યું ઝેર…
ઢળતી સાંજે…
એકે એકે આવી બેઠી ઓસરીની કોરે,
માએ જાણે બાળ બોલાવ્યાં, બાંધ્યાં સૌને દોરે;
કહ્યું: ‘હવે તો ખાઈ લો, ને સૂઈ જાઓ, ના રાખો વેર’…
ઢળતી સાંજે…
પરાગ કહે: સૂરજ ડૂબે ત્યારે દીવો કરજો,
અધૂરી ઇચ્છાઓને ગીતો ગાઈ ગાઈ ભરજો;
ઊંઘમાં હસશે, ને સપને રમશે, લીલી લહેર…
ઢળતી સાંજે…
– પરાગ રતનપરા