દીવાસળી
દીવો તો સૌ પાસે ભાઈ, વાટ ને તેલ ભરાય,
ગુરુ વિના કોણ દીવાસળી, જે જ્યોતને જગાય?
ગ્રંથ ભણ્યો મેં ઢગલાબંધ, ને શ્લોક કર્યા સૌ મોઢે,
તોય હૈયું કોરું રહ્યું, જેમ રેતી નદીને ઓઢે;
ગુરુએ એક જ નજરે જોયું, ને મન આખું ભીંજાય…
ગુરુ વિના કોણ દીવાસળી…
નાવ હતી, હલેસાં હતાં, ને સામો કાંઠો દીઠો,
વંટોળ આવ્યો, ભૂલ્યો રસ્તો, લાગ્યો દરિયો મીઠો;
ગુરુએ હળવે હાથ ઝાલ્યો, ત્યાં તો નાવ તરાય…
ગુરુ વિના કોણ દીવાસળી…
પરાગ કહે: ફૂલમાં ખુશ્બૂ પહેલેથી જ છુપાઈ,
પણ ખોલે એને એક કિરણ, જે સૂરજ દે મોકલાઈ;
ગુરુ એ જ કિરણ સાધો, જે ભીતર ભેદ ઉકલાય…
ગુરુ વિના કોણ દીવાસળી…
– પરાગ રતનપરા