← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરીનો ઓરડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્નના માંડવા છૂટી ગયા,
મહેમાનો ગયા,
ઢોલ ઠરી ગયા.

હું દીકરીના ઓરડામાં ગયો.
પલંગ પર
એનો જૂનો દુપટ્ટો,
ટેબલ પર
અડધું વાંચેલું પુસ્તક —
પાનું વાળેલું,
જાણે કાલે આવીને
આગળ વાંચશે.

ને અરીસા પર
એક નાનો લાલ ચાંદલો
ચોંટેલો રહી ગયો છે.

રોજ સવારે
હું એ ચાંદલો લૂછવા જાઉં છું,
ને રોજ
હાથ પાછો વાળી લઉં છું.

આ ઘરમાં હવે
એ જ એક સૂરજ બચ્યો છે,
જે કદી આથમતો નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનળિયાં પર પગલાંઆગલો લેખ →કાલે આવજો