← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરીનો ફોન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાસરે ગયેલી દીકરીનો
રોજ સાંજે ફોન આવે છે.

‘પપ્પા, જમ્યા?’
‘દવા લીધી?’
‘મમ્મીને કહેજો, ઢીંચણે તેલ ઘસે.’

હું કહું છું:
‘હા બેટા, બધું બરાબર છે.
તું કેમ છે?’

‘હું તો મજામાં, પપ્પા.’

એ ‘મજામાં’ના
બે અક્ષર વચ્ચે
જે નાનો શ્વાસ આવે છે,
એ હું
બાવીસ વરસથી ઓળખું છું —
પહેલી વાર સાઇકલ પરથી પડી ત્યારે પણ
એ આમ જ બોલી હતી:
‘મને નથી વાગ્યું.’

ફોન મૂકીને
હું
ઘણી વાર સુધી
એ શ્વાસને
પંપાળ્યા કરું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછોડ તુંઆગલો લેખ →અમાસ