← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અમાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પૂનમને
સૌ ચાહે છે —
કવિઓ, પ્રેમીઓ,
દરિયો પણ.

અમાસને
કોઈ ઉજવતું નથી.

પણ અમાસે જ
આભ
પોતાના સઘળા તારા
બહાર કાઢે છે,
જેમ ગરીબ મા
મહેમાન આવે ત્યારે
પેટીમાંથી
બધાં જ વાસણ.

અમાસે જ
ગામનો ખેડૂત
દીવો લઈને
ખેતરે જાય છે,
ને આગિયા
એની સાથે ચાલે છે.

ચાંદો ન હોય ત્યારે જ
સમજાય છે
કે
અંધારું પણ
કેટલું ઝળહળ થઈ શકે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદીકરીનો ફોનઆગલો લેખ →માખણચોર