← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડાયરીનાં પાનાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જૂની ડાયરીનાં પાનાં ફરફર ફરફર થાય,
એક સુકાયેલું ગુલાબ, ને આખું વરસ વંચાય.

પહેલે પાને નામ લખ્યું'તું, બીજે પાને તારીખ,
ત્રીજે પાને આંસુ ટપક્યું, શાહી થઈ ગઈ ઝીક;
અક્ષર ધૂંધળા થઈ ગયા, પણ અર્થ નહીં ભૂંસાય —
જૂની ડાયરીનાં પાનાં ફરફર ફરફર થાય.

એક પાને લખ્યું હતું: ‘કાલે મળશું છ વાગે’,
એ કાલ હજી આવી નથી, ને ઘડિયાળ હજી જાગે;
છ વાગ્યાનો ટકોરો રોજ હૈયે આવી ટકરાય —
જૂની ડાયરીનાં પાનાં ફરફર ફરફર થાય.

પરાગ કહે: આ ડાયરી બાળું, તોય ધુમાડો બોલે,
રાખ ઊડીને આંગણ વચ્ચે એ જ કહાણી ખોલે;
કેટલુંક એવું લખાય, જે કદી નહીં ભૂંસાય —
જૂની ડાયરીનાં પાનાં ફરફર ફરફર થાય.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆશ્રમેઆગલો લેખ →કુંભારનું કોડિયું