દાદીમાની વારતા
એક હતો રાજા ને એક હતી રાણી,
દાદીમાની વારતાનું ખૂટી ગયું પાણી.
ખાટલે બેઠાં હોંકારો દેતાં, આંખો ઘેરાતી જાય,
રાજકુંવરી વનમાં ભૂલી, ત્યાં તો દીવો બુઝાય;
સવારે ઊઠ્યાં, ત્યાં તો ઘરમાં સૂની પડી’તી વાણી…
એક હતો રાજા…
વરસો વીત્યાં, હુંય દાદો થ્યો, પૌત્ર કહે: ‘કહો વાત’,
રાજકુંવરી હજી ય વનમાં, ક્યાં પૂરી થઈ રાત?
મેં જ ઉમેર્યો અંત નવો, ને આંખે આવ્યું પાણી…
એક હતો રાજા…
પરાગ કહે: આ જીવતર પણ છે અડધી એવી કથની,
આગળ કોઈ લખે તો સમજો, વારતા છે સૌ જણની;
અધૂરપમાંથી જ ઊગે છે પેઢી પેઢીની કહાણી…
એક હતો રાજા…
– પરાગ રતનપરા