દાદાની ગીતા
કબાટમાં
દાદાની ગીતા છે —
પીળાં પડેલાં પાનાં,
ને હાંસિયામાં
પેન્સિલથી લખેલી નાની નાની નોંધો.
‘કર્મણ્યેવાધિકારસ્તે’ની બાજુમાં
લખ્યું છે:
‘આજે કપાસ બળી ગયો.’
‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ’ પાસે:
‘બા ગઈ. ૧૨-૪-૭૮.’
મને સમજાયું —
દાદા ગીતા વાંચતા નહોતા,
ગીતા
દાદાને વાંચતી હતી,
ને દરેક દુઃખ પર
ચૂપચાપ
એક શ્લોક મૂકી દેતી હતી.
– પરાગ રતનપરા