દાદાજીની ડાયરી
દાદાજીના ગયા પછી
માળિયેથી એક ડાયરી મળી —
પીળાં પાનાં,
ઝાંખી શાહી,
ને ખૂણે ખૂણે
ચાના ડાઘ.
મને ખબર નહોતી
કે દાદા કવિતા લખતા.
આખી જિંદગી
એમણે કાપડની દુકાનમાં
મીટર માપ્યાં.
ડાયરીમાં લખ્યું હતું:
‘આજે વરસાદ પડ્યો,
ગ્રાહક ન આવ્યા,
મેં આકાશને માપ્યું —
કોઈ મીટર પૂરો ન પડ્યો.’
હવે સમજાય છે
દાદા કેમ દુકાનની બહાર
છાપરા નીચે ઊભા રહી
વરસાદ જોયા કરતા.
– પરાગ રતનપરા