ચૂડલો
ચૂડલો મારો નંદવાયો રે, ઓલ્યા સરહદને ઓવારે,
ઢોલ ઢબૂક્યા'તા જે ડેલીએ, ત્યાં દીવા બળે સવારે.
હજી તો હાથની મેંદી ઊજળી, હજી તો પીઠી પીળી,
હજી તો ઓરડે અત્તર મ્હેકે, હજી તો ચૂંદડી લીલી;
તાર આવ્યો ને ગામ આખું ડૂસકે ચડ્યું વારે વારે…
ચૂડલો મારો નંદવાયો રે…
તિરંગે વીંટી સાયબો આવ્યો, સલામી દે સૌ લોક,
ગામ કહે કે ‘વીર થયો’, મારે તો જનમારાનો શોક;
ઓરડે ખાલી પાઘ ઝૂલે છે ખીંટીને આધારે…
ચૂડલો મારો નંદવાયો રે…
પરાગ કહે: જે સરહદે બળ્યો, સૌ એને દીવો કહેતા,
પણ એ દીવાની વાટ બળી'તી, એ તો કોઈ ન કહેતા;
એક સેંથીનું કંકુ લૂછીને, દેશ રમ્યો દિવાળી ત્યારે…
ચૂડલો મારો નંદવાયો રે, ઓલ્યા સરહદને ઓવારે.
– પરાગ રતનપરા