← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૯૨૩૬–૯૨૬૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૯૨૩૬.
ચાંદની આવી ઝરૂખે, પૂછતી: ‘તું એકલો?’
હું કહું: ‘તારી જ પેઠે આભમાં ખોવાયલો.’

૯૨૩૭.
આ ‘પરાગે’ ફૂલ ખરતું જોઈને ગાયું ઘણું,
આંસુ સાથે ગીત ભળ્યું, ને ગઝલ મ્હોરી પડી.

૯૨૩૮.
ઓટલા પર બેસતા ને વાત કરતા રાતભર,
ફ્લેટમાં સામે રહે, પણ નામ પણ જાણ્યું નથી.

૯૨૩૯.
દસ વરસનો છોકરો ત્યાં ચાય લઈ ઊભો રહે,
ને નિશાળે ભૂલકાં જાતાં નિહાળે એકટક.

૯૨૪૦.
રોટલીની ગંધથી ઘરમાં સવારો ઊગતી,
ટોસ્ટ ઠંડા, ચા ય ઠંડી, ને સવારો પણ ઠરી.

૯૨૪૧.
રોજ ઝઘડે, રોજ રીસે, રોજ પાછાં એક થાય,
આ બુઢાપાના પ્રણયની એ જ સાચી રીત છે.

૯૨૪૨.
ઘર હતું તો ભીંત નડતી, ને નડે છત પણ ઘણી,
ઘર ગયું, તો આભ ઓઢી ઊંઘતો આ તો ‘પરાગ’.

૯૨૪૩.
એક છત્રી, બે જણાં, વરસાદ ઝરમર ઝરમરે,
તોય બંને સાવ કોરાં, પ્રેમમાં ભીંજાઈ ગ્યાં.

૯૨૪૪.
ઊંઘની ગોળી ગળી, ને સ્વપ્ન પણ ભૂલી ગયો,
વારતાઓ બા કહે ને ઊંઘ આવી જાય ત્યાં.

૯૨૪૫.
મોતથી ડરતા રહીને જીવવું ભૂલી ગયા,
પોલિસીમાં, બૅંકમાં સૌ આયખું ખરચી ગયા.

૯૨૪૬.
તાંદુલોની પોટલી લઈ દ્વાર પર ઊભો સખા,
દોડતો આવ્યો કનૈયો, ઉંબરે ઝૂક્યું ગગન.

૯૨૪૭.
આ ‘પરાગે’ જિંદગીને એક દી’ પૂછ્યું ખરું,
‘અર્થ તારો શો?’, હસીને એ જ ફૂલે ઝળહળી.

૯૨૪૮.
નગરમાં વરસાદ ખાતર નાચ-ગાના ઠાઠથી,
હાથ જોડી ગામનો ખેડૂ તરસતો ખેતરે.

૯૨૪૯.
ઈશને મેં પત્ર લખ્યો, ક્યાં લખું એનું પતું?
બા હસી: ‘મારું લખી દે’, ને ખુદાને એ ગયો.

૯૨૫૦.
ભરબપોરે છાંય નાની, સાંજ પડતાં વિસ્તરી,
તેજ ઓછું થાય ત્યારે, ગર્વ લંબાતો જતો.

૯૨૫૧.
એક ફોટો હાથ આવ્યો, બાપુ હસતા એ સમે,
જોઈને બા મૌન થઈ ગઈ, ને નયન ભીનાં થયાં.

૯૨૫૨.
દર્દ ઓછું થ્યું નહીં, પણ બિલ જુઓ વધતું ગયું,
હૉસ્પિટલથી ઘેર આવ્યો, ઘર ય ત્યાં વેચાઈ ગ્યું.

૯૨૫૩.
રાખડી બાંધી બહેને, એક બસ માગ્યું વચન:
‘બાપુ ને બાને સદાયે રાખજે તું પ્રેમથી.’

૯૨૫૪.
ભોરમાં છાપું ઉઘાડું, રક્ત ટપકે શબ્દથી,
ને પછી ચા સાથ એ પણ ઘૂંટ પીને ભૂલતો.

૯૨૫૫.
ચાંદ સંતાયો ઘટામાં, તું ઝરૂખે જ્યાં હસી,
ને ગગનના તારલા પણ ગણગણે તારું જ નામ.

૯૨૫૬.
બીજ દાટ્યું ને ઉતાવળ, રોજ ખોદું, શું થયું?
ધૈર્ય વિણ ઊગે ન કો’ દાણો ધરામાં, સાંભળો!

૯૨૫૭.
મંદિરે સિક્કો ચડાવ્યો, ને ભિખારી બ્હાર છે,
દેવ બેઠો ભોગ જમતો, ભૂખ બેઠી બારણે.

૯૨૫૮.
બાપનાં જૂતાં પહેર્યાં, એક દી’ ચાલી જુઓ,
કેટલાં કાંટા હતા, ને કેટલી ઠેસો હતી.

૯૨૫૯.
રાત કાળી, ઘોર કાળી, તોય એ ઢળતી જશે,
એક પણ દીવો જલાવી રાખજે તું ભીતરે.

૯૨૬૦.
બા કહે’તી: ‘જે મરે, તે થાય તારો આભમાં’,
આજ શોધું છું ગગનમાં, કોણ તારો બા હશે?

૯૨૬૧.
જે રિમોટે રાજ કરતો, એ જ ઘરનો છે ધણી,
આજ તો બા પાસ એ છે, બાપુ બેઠા ચૂપ છે.

૯૨૬૨.
માતૃભાષા બોલતા’તા ઓસરી, ચોરો, ગલી,
પૌત્ર પૂછે આજ: ‘દાદા, ઓસરી શું છે, કહો?’

૯૨૬૩.
સાલ બદલી, ને ફરી સંકલ્પ લીધા સો નવા,
જાન્યુઆરી અંત લગ તો એ જ જૂના થઈ ગયા.

૯૨૬૪.
વેદના ઘૂંટાઈ ભીતર, ને ગઝલ જન્મી પછી,
જેમ છીપે રેત ઘૂંટી, ત્યાં જ મોતી ઝળહળે.

૯૨૬૫.
ઓસ પાંદે ઝળહળી, ને સૂર્ય આવ્યો ત્યાં જ, લ્યો,
જે પ્રકાશે ઝળહળી, તેજે જ ઊડી ગઈ, જુઓ.

– પરાગ રતનપરા

---

કવિ: પરાગ રતનપરા · તખલ્લુસ: ‘પરાગ’
કાવ્ય ક્રમ ૪૬૩૨–૪૭૩૧ · શેર ક્રમ ૯૨૬૬–૯૪૬૫

શેર
← પહેલો લેખછૂટા શેર ૯૨૦૬–૯૨૩૫આગલો લેખ →સ્ટેટસ પર