છૂટા શેર ૭૦૬૬–૭૧૦૪
૭૦૬૬.
આયનો પૂછે મને રોજે: ‘અરે, તું કોણ છે?’
ટાઈ બાંધીને, ઉતાવળમાં જવાબો ટાળતો.
૭૦૬૭.
બાપુના જોડા પહેરી, ચાલતાં જાણ્યું મને,
કેટલા કાંટા છુપાવી એ હસીને ચાલતા.
૭૦૬૮.
ફ્લેટની બારી થકી હું ચાંદ શોધું છું હવે,
ગામમાં તો આભ આખું આંગણે આવી પડે.
૭૦૬૯.
વાદળો ગામે ગયાં, વરસાદ વેચ્યો ભાવથી,
ખેડુએ પણ આંસુ ગીરો ખેતરે જઈ મેલિયાં.
૭૦૭૦.
ઝાડ કાપી ઘર બનાવ્યું, ગેલરીમાં છોડ એક,
આપણે પર્યાવરણના કેટલા પ્રેમી ખરા!
૭૦૭૧.
દીકરી ગઈ સાસરે, ને આંગણું મૂંગું થયું,
રોજ ચકલી પૂછતી, ‘ક્યાં છે સખી મારી હવે?’
૭૦૭૨.
ફોનમાં મિત્રો હજારો, ને ખભો દેનાર ચાર,
આંકડો સાચો હતો, ખોટો હતો મારો ભરમ.
૭૦૭૩.
ફૂટપાથે રાતભર ચાંદો જુએ છે મૌન થઈ,
બાળ ભૂખ્યું ઊંઘતું, ને માત એની જાગતી.
૭૦૭૪.
મા હસે તો ઘર હસે, ને મા રડે તો ભીંત પણ,
ઘર નથી ઈંટો તણું, એ તો સદા માનું હૃદય.
૭૦૭૫.
શબ્દ ઓછા, વાત લાંબી, શું કરે પણ આ પરાગ?
મૌન પણ વાંચી શકે, એ સાથ મળવો જોઈએ.
૭૦૭૬.
સ્વર્ણ મંદિરનું શિખર છે, ને ભિખારી બારણે,
ઈશ પણ શરમાઈને ભીતર ગયો સંતાઈને.
૭૦૭૭.
ઓસરીમાં લાકડી લઈ બાપુ ચાલ્યા’તા કદી,
આજ હું એ ઓસરીમાં, ને હવે મારી છડી.
૭૦૭૮.
આ નદી દરિયો થવા દોડી, અને ખારી બની,
એટલે તો હું નમું છું ગામના કૂવા કને.
૭૦૭૯.
વાંસળીનો સાદ આવ્યો, રાધિકા દોડી જતી,
દ્વારિકાના ઢોલમાં એ સૂર ક્યાંથી સાંભળે?
૭૦૮૦.
પ્રેમ એવો હો, ન જેમાં માગવાનું ના રહે,
દીવડો બળતો રહે, ને વાટને ના જાણ હો.
૭૦૮૧.
ઘર ઘરે ટીવી સતત, ને વાત કરતું કોઈ ના,
ચૂપ બેઠાં ચાર જણ ને બોલતું બસ યંત્ર છે.
૭૦૮૨.
બાળપણનો મિત્ર ભેટ્યો, ત્યાં જ ઉંમર ઓગળી,
બે ઘડી માટે અમે પાછા લખોટી થઈ ગયા.
૭૦૮૩.
ખેતરે ઊભો હતો ત્યાં ચાડિયો, પંખી હસે,
ધૂળિયો એ વેશ ભાળી, એ ય માણસ લાગતો.
૭૦૮૪.
એક ડાળી, બે વિહંગો, બેઉ બેઠાં મૌન થઈ,
એકબીજા પાસ બેસી, ઠાર આખો કાઢિયો.
૭૦૮૫.
મોરપીંછું ચોપડીમાં સાચવેલું બાળપણ,
આજ ખોલ્યું, ને નિશાળો મ્હેકતી પાને બધી.
૭૦૮૬.
ભીંત પરની આ છબી પર ધૂળ જામી છે હવે,
બાપુ તો ગ્યા, ને હવે તો યાદ પણ ઝાંખી થતી.
૭૦૮૭.
સ્વપ્ન લઈને આંખમાં આવ્યો હતો આ નગરમાં,
ને નગર આખું ય સપનાં વેચવાની હાટ છે.
૭૦૮૮.
બે ઘડી પાસે રહીને હાથ ઝાલી રાખજે,
એ જ ઔષધ છે ખરું, બાકી બધી ગોળી ઠગે.
૭૦૮૯.
વીજળીનું બિલ, દવાની પાવતી, હપ્તા વળી,
કાવ્ય લખવા બેસતાં સૌ આવતાં સામે ધસી.
૭૦૯૦.
ફી વરસભરની ભરી જિમમાં, ગયો બે વાર બસ,
પેટ એનું એ જ, પણ ખિસ્સું થયું છે પાતળું.
૭૦૯૧.
ચૂંટણીમાં ઝૂંપડે જઈ રાત કાઢી, ને પછી
છાપવા ફોટો સવારે, ઝૂંપડું ભૂલી ગયા.
૭૦૯૨.
ફાઇલો પર ફાઇલો, ને ટેબલે થર ધૂળનો,
‘આવજો કાલે’ — અહીંનું રોજનું આ ગાન છે.
૭૦૯૩.
લગ્નમાં સૌ રોશની ને ભોજનો માણી ગયા,
કોઈ ના જોતું, હતો કેવો નમેલો બાપ એ.
૭૦૯૪.
જીવ ઊડી જાય છે, ને ખોળિયું પાછળ રહે,
જેમ પંખી જાય, ને ઝૂલ્યા કરે છે ડાળખી.
૭૦૯૫.
મોત આવે તોય ચા પીવા જરા રોકીશ હું,
દોડતો’તો જિંદગીભર આ પરાગ, હવે નિરાંત.
૭૦૯૬.
રેતમાં મેં નામ લખ્યું, ત્યાં જ મોજું આવિયું,
નામ તો ભૂંસાઈ ગ્યું, પણ આંગળી ભીની રહી.
૭૦૯૭.
ટક ટકારે જિંદગી આખી ય વીતી, ઓ ઘડી,
‘હાશ’નો એકાદ કાંટો કેમ તેં રાખ્યો નહીં?
૭૦૯૮.
પાનખરમાં ઝાડ ખાલી, તોય એ ઊભું રહે,
જાણતું’તું: કૂંપળો તો આવશે, વિશ્વાસ છે.
૭૦૯૯.
બાપ ચાલ્યા ધૂળિયે મારગ સદા, ને મેં પછી
એમના નામે બનાવી ડામરી પાકી સડક.
૭૧૦૦.
શ્રાવણે ભીંજાય છે આ દેહ, મન કોરું રહે,
એક તારો સ્પર્શ, ને આષાઢ આખો મ્હોરશે.
૭૧૦૧.
ઈશને પૂછ્યું: ‘મજામાં?’, ને નયન ભીનાં થયાં,
કોઈએ પૂછ્યા ખબર, વરસો પછી એને હશે.
૭૧૦૨.
આ પરાગે શેર કીધો, ‘વાહ’ ક્યાં બોલી શકી?
આંખના ખૂણે જરા ઝીણું ઝળકતું જળ હતું.
૭૧૦૩.
કાગળો ઊડી ગયા, ને શબ્દ વેરાયા હવા,
આજ પંખી ગાય છે મારી ગઝલના કાફિયા.
૭૧૦૪.
દીકરાએ ચોકથી ભીંતે ઉગાડ્યો સૂર્ય જે,
રંગ કીધા ઘર તણા, ને સૂર્ય એ ભૂંસાઈ ગ્યો.
– પરાગ રતનપરા