છૂટા શેર ૬૦૦૦–૬૦૩૧
૬૦૦૦.
હતી ઝૂંપડી, તોય હસતાં હતાં,
હવે બંગલે સૌ રડે ચૂપચાપ.
૬૦૦૧.
નદીને ન પૂછો: ‘જવું ક્યાં તને?’
ખબર છે, ભળીને સમંદર થવું.
૬૦૦૨.
ઘણાં ફૂલ ખીલ્યાં, ગયાં પણ ખરી,
ફકત મ્હેક આ વાયરે સાચવી.
૬૦૦૩.
પરાગે ન માગ્યું કશું ફૂલથી,
છતાં વિશ્વને મ્હેક દીધી ઘણી.
૬૦૦૪.
હતાં ગીત ગાતાં, હતાં બાળ સૌ,
હવે ફોન પર ડોક ઝૂકેલ છે.
૬૦૦૫.
ગયા દીકરા દૂર, ઘર એકલું,
હવે બા, પિતા ને ઉદાસી ફકત.
૬૦૦૬.
અમે લાખ ખર્ચી ભણી ત્યાં પછી
ઉકાળી હવે ચા અમે ચોકમાં.
૬૦૦૭.
હતી રાત કાળી, હતો એક દીપ,
સવારે બુઝાયો, કશું ના કહી.
૬૦૦૮.
પરાગે ગઝલ ગાઈ સૂની સભા,
છતાં દાદ દે એ જ ખુરશી બધી.
૬૦૦૯.
ખજાના ભરીને, ગુમાવી ખુશી,
દવાથી હવે ઊંઘ આવે મને.
૬૦૧૦.
પડે મેઘ ત્યાં ધૂળ ગાયા કરે,
લખે પત્ર ધરતી, ભરી મ્હેક સૌ.
૬૦૧૧.
હજારો હતા ‘ફ્રેન્ડ’ મારા, છતાં
ઉઠાવી નનામી ન કો'એ જરી.
૬૦૧૨.
તને ભૂલવા મેં ગઝલ સો કહી,
બધીમાં ફરી તું જ આવી, હસી.
૬૦૧૩.
પરાગે ન સેવી કશી ઝંખના,
હવા સાથ ઊડી, ગયો બાગમાં.
૬૦૧૪.
ઘણી ભીડ મેળે, ઘણી રોશની,
છતાં હાથ છૂટ્યો, ગયો ખોઈ હું.
૬૦૧૫.
કથા રોજ દાદી કહેતાં હતાં,
હવે ફોન બાળો ઉછેરે ઘરે.
૬૦૧૬.
સવારે હતો, સાંજ થઈ ગઈ જરી,
હતું આયખું, આમ ફૂંકાઈ ગ્યું.
૬૦૧૭.
ન રાણો, ન મ્હેલો, ન રાજ્યો ખપે,
કનૈયો જ મીરાં તણો સર્વ છે.
૬૦૧૮.
સવારે સલાડે ભરું પ્લેટ હું,
નિશાએ જમું થાળ ગોટા ભરી.
૬૦૧૯.
હવે સાસરે દીકરી, ઘર સજળ,
હજી ઓઢણી ઝૂલતી બારણે.
૬૦૨૦.
પરાગે ઘણાં ગીત છેડ્યાં, છતાં
હૃદય લગ ગયાં ના કશે એક પણ.
૬૦૨૧.
ગિરો ખેતરે, ઝાડ પર દોરડું,
છપી એક ખૂણે ખબર નાનકી.
૬૦૨૨.
મળી'તી ઘડી બે, અને જિંદગી
ગણી એ જ બે પળ, ખરી ગઈ બધી.
૬૦૨૩.
નવી શાલ માગી ઘરે શ્રીમતી,
કહું: ‘ગઈ દિવાળી તણું બિલ હજી.’
૬૦૨૪.
ઘડે ચાકડે માટલાં સૌ નવાં,
છતાં ખુદ ભરે જળ તિરાડે ઘડે.
૬૦૨૫.
પરાગે ધરી શબ્દની દીવડી,
અમાસે ય થોડું ઉજાળ્યું ખરું.
૬૦૨૬.
ન ઝૂક્યો કદી, ને ન તૂટ્યો કદી,
હતો વાંસ જેવો, પિતાજી સમો.
૬૦૨૭.
વિદેશે ઘણું, પણ વતન ક્યાં મળે?
અહીં ‘બર્ગરો’, ના મળે ખીચડી.
૬૦૨૮.
અરીસો કહે: ‘તું થયો વૃદ્ધ, દોસ્ત’,
કહું: ‘તું ય ઝાંખો થયો છે ઘણો.’
૬૦૨૯.
ગયો હું હિમાલય, ગયો તીર્થ સૌ,
ન ભીતર ગયો, જ્યાં બિરાજે ખુદા.
૬૦૩૦.
પરાગે સવાલો ઘણા પૂછિયા,
જવાબે ગઝલ એક આવી, હસી.
૬૦૩૧.
ચલો, ઉંબરે એક દીવો ધરો,
કદી કોઈ ભૂલું પડે જો અહીં.
– પરાગ રતનપરા