છૂટા શેર ૫૯૬૮–૫૯૯૯
૫૯૬૮.
હતો એક ટહુકો, હતી એક ડાળી,
હવે એક ટાવર, અને તાર-જાળાં.
૫૯૬૯.
વરસ બાદ આવ્યો, ન પૂછ્યું ઘરે કંઈ,
ફકત બારણું ત્યાં હસીને ઉઘાડ્યું.
૫૯૭૦.
ધરા પર પડે જ્યાં પ્રથમ એક ટીપું,
ખુશીનાં ઝરે આંસુ ખેડૂત-નયને.
૫૯૭૧.
ગલી સાંકડી, પણ હૃદય ખૂબ મોટાં,
હવે રાજમાર્ગો, છતાં સાંકડાં મન.
૫૯૭૨.
પરાગે ન રાખ્યો કદી કોઈ દાવો,
મળી મ્હેક જેને, ઉઠાવી ગયો એ.
૫૯૭૩.
ગરીબી તણે ઘર ઠરેલો જ ચૂલો,
છતાં આંખમાં તોય દીવા બળે છે.
૫૯૭૪.
સવારે હતું પાંદડે એક ઝાકળ,
બપોરે ગયું ક્યાં? જરા સૂર્ય પૂછો.
૫૯૭૫.
બધાં પાંદડાં ખેરવી, મૌન ઊભું,
કહે ઝાડ: ‘ખાલી થવું એ કળા છે.’
૫૯૭૬.
સગાં જ્યાં મળે, પૂછતાં સૌ ‘કમાણી?’
ન પૂછે કદી કો', ‘ખુશી છે તને કે?’
૫૯૭૭.
હતા પત્ર ત્યારે, હતી રાહ મીઠી,
હવે ફોન જોતાં જ ધડકે અમસ્તું.
૫૯૭૮.
રમી ધૂળમાં, માર ખાતા ઘરે, ને
હતાં ખુશ, અમારું હતું બાળપણ એ.
૫૯૭૯.
પરાગે ગઝલને કહી વાત ધીમે,
ગઝલ પણ કહે: ‘શ્વાસ આપો તમારો.’
૫૯૮૦.
અહીં ઝૂંપડું એક સળગી ગયું, ને
ચલી રાતભર ચેનલે ખૂબ ચર્ચા.
૫૯૮૧.
ભલે ચાંદ પર જઈ ધજા એક ખોડી,
પડોશી તણે ઘર ન પ્હોંચ્યા કદીયે.
૫૯૮૨.
મને મા કહેતી: ‘સદા સત્ય બોલો’,
જમાનો કહે: ‘સત્ય? એ તો ગુનો છે.’
૫૯૮૩.
અરીસે ઘસું હું ચહેરો સવારે,
હૃદય પર જમેલી રહી ધૂળ એમ જ.
૫૯૮૪.
પરાગે હતી ફૂલ પાસે જ ફોરમ,
ખુશી ખોળવા એ ગયો દૂર દૂરે.
૫૯૮૫.
મને ઘર ગણે એક ખુરશી પુરાણી,
નકામી, છતાં કોઈ ફેંકે નહીં, બસ.
૫૯૮૬.
ચલણ બંધ થઈ ગ્યું અચાનક બધું ત્યાં,
છુપાવેલ બાની બચત રોઈ ઊઠી.
૫૯૮૭.
તને જોઈ, ભૂલી ગયો હું ગઝલ પણ,
અરે, તું જ સામે ગઝલ થઈ ઉભેલી.
૫૯૮૮.
ઘણું જ્ઞાન ગૂગલ ધરે છે અમોને,
વિચારો ન આપે, ન આપે સમજ પણ.
૫૯૮૯.
હતો હું જ મંદિર, હતો હું જ મૂરત,
ગયો તીર્થ સઘળે, ન જોયો સ્વયંને.
૫૯૯૦.
નવી વહુ ઘરે ફોન લઈને પધારી,
હવે સાસુ ‘રીલો’ બનાવે સવારે.
૫૯૯૧.
પરાગે કબર પર જલાવી શિખા એક,
હવા પણ નમી ત્યાં, ન ઠારી શકી એ.
૫૯૯૨.
ગઝલ પૂછતી: ‘કાં લખે છે સતત તું?’
કહું: ‘તું ન હો, તો ન મારું ય હોવું.’
૫૯૯૩.
વસંતે ભલે ફૂલ ખીલ્યાં હજારો,
છતાં એક કોઠે ઉદાસી ઉગેલી.
૫૯૯૪.
ગયો શ્યામ, છોડી ગયો વાંસળી ત્યાં,
હવે રાધિકા શ્વાસ ફૂંકે, ન વાગે.
૫૯૯૫.
પરોઢે જ જાગી હતી મા, પ્રથમ તો,
પછી સૂઈ, જ્યારે સિતારા ય સૂતા.
૫૯૯૬.
પરાગે ભલે નામ ના ક્યાંય કોરે,
હવામાં ભળી મ્હેક થઈ એ અમર છે.
૫૯૯૭.
નદીમાં સદા એક પથ્થર વહેતો,
ઘસાતો રહી ને ખુદા થઈ પુજાયો.
૫૯૯૮.
વિદેશે ઘણું ધન કમાયો, છતાં પણ
નથી ત્યાં ચબૂતર, ન પીપળ, ન પાદર.
૫૯૯૯.
ઘડી બે ઘડી બેસ, વાતો કરી લે,
પછી તો ઘણો કાળ છે મૌન માટે.
– પરાગ રતનપરા