છૂટા શેર ૩૬૯૧–૩૭૧૫
૩૬૯૧.
નથી ઘર, ના ઠિકાણું, ના કશે પણ નામ-સરનામું,
છતાં હસતું રમે છે એક બાળક ધૂળમાં આખું.
૩૬૯૨.
દવા પણ મા, દુઆ પણ મા, ભણાવે મા, જમાડે મા,
અમે મોટા થયા તો પણ, હજી માને નમે માથું.
૩૬૯૩.
ધરાએ શ્વાસ લીધો, ને ઉઠી માટી તણી ખુશ્બૂ,
બજારે લાખ અત્તર છે, છતાં આ ક્યાંય ના વેચાય.
૩૬૯૪.
તમે ચાલ્યાં ગયાં ત્યારે ઝરૂખો પણ હતો ભીનો,
હજી એ પાળ પર સૂકી નથી તારી હથેળીઓ.
૩૬૯૫.
લગનમાં નાચતા ડીજે ઉપર ફૂવા, ભુવા, મામા,
બિચારો વર જુએ ઘોડા ઉપરથી આ તમાશો સૌ.
૩૬૯૬.
વતન કાજે ગયો'તો જે, ફરી આવ્યો તિરંગામાં,
હજી મા બારણે ઊભી, ધરી ભાતું ગમે એવું.
૩૬૯૭.
જવાની ક્યાં ભળી, પૂછું; હસે છે આયનો મારો,
કહે: ‘જે સાંજ ના નાચ્યો, ઢળી એ સાંજની સાથે.’
૩૬૯૮.
નમાઝો, આરતી, ઘંટો, અઝાનો, ધૂપ ને દીવા,
નકામાં સૌ, પડોશે જો રડે ભૂખ્યું હજી બાળક.
૩૬૯૯.
ગયો'તો નોકરી કાજે, સવારે બેગ લઈ દોડ્યો,
નગરના ચોક પર ઊભો, હવે તો સાંજ થઈ આવી.
૩૭૦૦.
પવનના સાથમાં ઊડ્યો, દિશાઓ પણ ગયો ભૂલી,
પરાગે ફૂલ ક્યાં છોડ્યું? હવે આખું જગત ઉપવન.
૩૭૦૧.
અમે સાચું જ બોલ્યા'તા, સભા છોડી ગયા સૌ જન,
ખુશામતખોર બેઠા'તા, પહેર્યા હાર સૌએ ત્યાં.
૩૭૦૨.
કપાયું ઝાડ આંગણનું, ગયાં પંખી, ગયો છાંયો,
હવે એ.સી. ચલાવું છું, છતાં ભીતર બળે તડકો.
૩૭૦૩.
નિશાળે ફી ભરી લાખો, ટ્યુશનમાં ગઈ વળી લાખો,
મઢાવી ફ્રેમમાં ડિગ્રી, હવે બેઠો ઘરે બેટો.
૩૭૦૪.
પુરાણી એક તસવીરે હસે છે બા, હજી જીવે,
થયો હું સાઠનો, તો પણ હજી બા ત્રીસની લાગે.
૩૭૦૫.
હતી છત્રી અમારી એક, ને બે જણ હતા ભીંજ્યાં,
હવે છે બે ય છત્રીઓ, છતાં ભીંજાય આ પાંપણ.
૩૭૦૬.
ન પૂછ્યું જીવતાં ક્યારે, ‘તમે કેવા? કશું જોયે?’
હવે શ્રાદ્ધે ધરું છું ખીર, ને કાગા બિચારાને.
૩૭૦૭.
ઘરે ચાર્જર મળે ના તો, બધાં ત્યાં ધમધમે ગુસ્સે,
અને ખૂટી દવા બાની, ખબર કોને જરા પણ છે?
૩૭૦૮.
હતો કૂવો, હતાં બેડાં, હતી ગોરી, ભરી હેલો,
હવે નળ છે ઘરે ઘરમાં, ગયો એ ગામનો મેળો.
૩૭૦૯.
ધરાની કૂખમાં સૂતું હતું જે બીજ વરસો લગ,
અચાનક એક ટીપે ત્યાં થયું એ વૃક્ષ ને ઊભું.
૩૭૧૦.
ગરીબી છે, ઉધારી છે, છતાં ઘરમાં હસે બાળક,
તિજોરી છે ભરેલી જ્યાં, ઉદાસી ત્યાં રહે આંગણ.
૩૭૧૧.
મુસાફર છું, ટિકિટ ખિસ્સે, ખબર ના ક્યાં જવાનું છે,
ફરે બારી ઉપર દૃશ્યો, અને હું તો સદા બેઠો.
૩૭૧૨.
ઘણાં તોફાન આવ્યાં ને ઘણી રાતો અમાસી પણ,
હજી બા ઓટલે સાંજે ધરે દીવો સદા નાનો.
૩૭૧૩.
પરાગે મ્હેકને પૂછ્યું, ‘હવે ઘર ક્યાં, ગલી ક્યાં છે?’
કહે, ‘જે શ્વાસમાં ભરશે, હશે મારું ઠિકાણું એ.’
૩૭૧૪.
હતી બાની કહાણીમાં પરી, રાજા, ઘણા રાક્ષસ,
હવે મોબાઈલે બેઠું નવું બાળક, કથા ભૂલી.
૩૭૧૫.
ઘણા મંદિર, ઘણી મસ્જિદ, ઘણાં તીરથ, ઘણા ડુંગર,
ઘરે આવ્યો, હસી બાએ જમાડ્યો, ત્યાં હતો ઈશ્વર.
– પરાગ રતનપરા