છૂટા શેર ૨૭૭૬–૨૮૦૫
૨૭૭૬.
ઘસાતો ગયો રોજ પાણી વડે,
અને એ જ પથ્થર બને છે ખુદા.
૨૭૭૭.
તમે ‘હા’ કહી ત્યાં, નમી ડાળ ને
ગુલાબો થયાં ત્યાં વગર ફાગણે.
૨૭૭૮.
ગયો પુત્ર સાગર તરી દૂર દેશ,
હવે આંખ માની ગગન તાકતી.
૨૭૭૯.
કલમ પાસ છે, પાસ કાગળ ય છે,
નથી ઘાવ, તો ના બને કો’ ગઝલ.
૨૭૮૦.
ટપકતું હતું છાપરું રાતભર,
છતાં ગીત માના હતાં ગુંજતાં.
૨૭૮૧.
ગરીબી હટાવી ખરે, સાંભળો,
ગરીબો જ ગાયબ, અમીરી વધી.
૨૭૮૨.
ભલે ના લખાયું કદી પુસ્તકે,
પિતાનાં ઘસાયેલ જોડાં મહાન.
૨૭૮૩.
ધરાનાં તળે જળ, ગગનમાં ય જળ,
છતાં ખેતરે ભૂખ, ને ધૂળ સૌ.
૨૭૮૪.
હતી ચાંદની, ને હતી તું ય પણ,
તને જોઈ ચંદો ય ઝાંખો થયો.
૨૭૮૫.
પરાગે ન રાખી કશી ઝંખના,
હવાએ ઉડાડ્યો, બધે બાગ થ્યા.
૨૭૮૬.
ટકોરા થયા દ્વાર પર રાતભર,
હતો વાયરો, કે હતી તું પ્રિયા?
૨૭૮૭.
ખરે પાંદડાં, ઝાડ ઊભું રહે
વસંતે નવી આશ લઈ ઝૂમવા.
૨૭૮૮.
દવાઓ ઘણી, ડૉક્ટરો પણ ઘણા,
છતાં કામ આવી દુઆ મા તણી.
૨૭૮૯.
કથામાં બધા હાથ ઊંચા કરી
ધરી ફોન, શૂટિંગ કરતા હતા.
૨૭૯૦.
હતો મા તણો છેડલો, ને ગગન
હતું એ જ આખું, હતું એ જ ઘર.
૨૭૯૧.
અરીસો ન બોલે કદી જૂઠ, ને
ધકેલ્યો અમે માળિયે એટલે.
૨૭૯૨.
હતાં બાગમાં ફૂલ લાખો છતાં,
પરાગે ચહી એક તારી કળી.
૨૭૯૩.
હવે ગામમાં ના રહી ઓસરી,
બધે બંધ ‘ફ્લૅટો’ તણાં બારણાં.
૨૭૯૪.
પરાગે ધરી મ્હેક આકાશને,
ગગન સાંજ થઈ ગ્યું ગુલાબી બધું.
૨૭૯૫.
અહીં રોજ ઝઘડા થતાં ધર્મના,
ઉપર બેઉ ભેળા હસે છે ખુદા.
૨૭૯૬.
પિતાજી કહે: ‘ખર્ચ ઓછો કરો’,
અને ખુદ ઘસેલાં જ જોડાં ધરે.
૨૭૯૭.
નદી પર થયો પુલ, ગયા નાવિકો,
હલેસાં ગયાં, ને ગયાં ગીત પણ.
૨૭૯૮.
હતી ઢીંગલી, ને હતો ઘોડલો,
હવે ‘ગેમ’ છે, ને ગયું બાળપણ.
૨૭૯૯.
હતો સરહદે એક સૈનિક ખડો,
ઘરે એટલે નીંદ મીઠી હતી.
૨૮૦૦.
તમે ‘ના’ કહી, તોય ગમતાં તમે,
હૃદય તો હઠીલું, ન માને કદી.
૨૮૦૧.
ભલે ગામ નાનું, ગલી સાંકડી,
છતાં મોકળા મન, ગગન જેવડાં.
૨૮૦૨.
વિદાયે હસાવ્યો હતો, ને પછી
નયન ભીંજતાં રાતભર એકલાં.
૨૮૦૩.
પરાગે ગુમાવ્યું ઘણું, તે છતાં
મળી પાંખ, ને આભ, ને આ દિશા.
૨૮૦૪.
ઉનાળે ધખે, ને શિયાળે ઠરે,
છતાં ખેતરે ના ધણી ઝંપતો.
૨૮૦૫.
મને ‘ના’ કહેવું ન ફાવ્યું કદી,
ખભે ભાર સૌનો ઉપાડ્યો, સખા.
– પરાગ રતનપરા