છૂટા શેર ૨૩૮૬–૨૪૦૫
૨૩૮૬.
નથી બા, છતાં ઓસરી બા સમી છે,
હજી ત્યાં જ દીવો બળે છે સવારે.
૨૩૮૭.
હતું ગામ, ને ગામમાં એક કૂવો,
હવે ગામ ખાલી, તળે જળ ન મળતું.
૨૩૮૮.
તમે આવશો, એ જ આશા ધરીને,
નથી પાંપણો મેં ઝુકાવી કદી પણ.
૨૩૮૯.
નથી ‘નેટ’, તો જીવ ઊડી ગયો છે,
હતો ફોનમાં, ફોન સાથે ગયો છે!
૨૩૯૦.
પરાગે સમયની લકીરો ગણી, ને
ભરેલી હતી હર લકીરે કથા સૌ.
૨૩૯૧.
ઝરે મેહ, ને છાપરું ગીત ગાતું,
બિચારી ગરીબી ય તાલે નચે છે.
૨૩૯૨.
હતી વાંસળી, ને હતી એક રાધા,
પછી દ્વારિકા, ને બધું સાવ સૂનું.
૨૩૯૩.
નકલ કાઢવાની કતારે જ ઊભો,
ઘણાં વર્ષ વીત્યાં, ન આવ્યો ય વારો.
૨૩૯૪.
ખુદા શોધવા હું ગયો ચાર ધામે,
હતો એ જ મારા હૃદયના મુકામે.
૨૩૯૫.
પડી જ્યાં જરૂરત, ન બોલ્યો, ન પૂછ્યું,
ઉપાડ્યો મને, એ જ સાચો સગો છે.
૨૩૯૬.
ગયો હું વિમાને વિદેશી સડક પર,
હજી મૂળ મારાં વતનની ધરામાં.
૨૩૯૭.
પરાગે ગલીમાં નિહાળ્યો ભિખારી,
હતો એ ય બાળક, હતી ભૂખ ભારી.
૨૩૯૮.
બધા પાંચ તત્ત્વે ભળી જાય અંતે,
રહે માત્ર બે બોલ મીઠા કહેલા.
૨૩૯૯.
હતા ચાર રસ્તા, બધે ‘જામ’ પાકો,
સવારે ગયો, સાંજ ટાણે પહોંચ્યો.
૨૪૦૦.
નદી ગામની આજ રેતી બની છે,
હવે ત્યાં ઘરોની નવી હાર ઊભી.
૨૪૦૧.
પરાગે હૃદયને સજાવ્યું તમારા,
તમે ફૂલ તોડ્યું, ન જોયું, ન સૂંઘ્યું.
૨૪૦૨.
લગનમાં ભરેલાં કવર સૌ ઉઘાડ્યાં,
બધે ‘એકસો એક’, ખર્ચો હજારો.
૨૪૦૩.
બળે મીણબત્તી, ન બોલે કશું પણ,
ઝરે આંસુ એનાં, તળે ઢગ થયાં છે.
૨૪૦૪.
ગયાં બાળપણ ને જવાની ય ઝટપટ,
બુઢાપો જ ધીમો, ન ખૂટે કદી એ.
૨૪૦૫.
પરાગે ગઝલને વધાવી હસીને,
ધરી ભાવકોના હૃદયના ઝરૂખે.
– પરાગ રતનપરા