← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૫૮૬–૧૬૧૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૫૮૬.
ગયો દીકરો દૂર પરદેશમાં,
હવે સ્ક્રીનને ચૂમતી માવડી.

૧૫૮૭.
મને જીતવાની ન આદત રહી,
પરાજય થયો, તોય હસતો રહું.

૧૫૮૮.
ખરે મોરપીંછું ધરા પર, અને
ધરા શ્યામ થઈને રમી રાસ ત્યાં.

૧૫૮૯.
પરાગે હવા પર લખી'તી ગઝલ,
બધાં ફૂલ એને હવે ગાય છે.

૧૫૯૦.
નગરમાં ઘણો શોર છે રાતદિન,
છતાં સાવ સૂનું હૃદય છે અહીં.

૧૫૯૧.
ઝરે મેહ ને સાંભરે તું મને,
અને આંખ પણ થાય વર્ષા સમી.

૧૫૯૨.
કબર પર બળે એક દીવો હજી,
મને યાદ કરતું હશે કો' અહીં.

૧૫૯૩.
ઘણી ભીંત પર ફ્રેમ ડિગ્રી તણી,
નથી નોકરી, ભૂખ છે બારણે.

૧૫૯૪.
અથાણે હજી સ્વાદ દાદી તણો,
નથી એ, છતાં એ જ ખાટપ રહી.

૧૫૯૫.
હતો ચાંદ, ને તું હતી પાસમાં,
ખબર ના પડી, કોણ ઝળહળ હતું.

૧૫૯૬.
નયન રાહ જોતાં થયાં વૃદ્ધ, ને
ગયો જે, ન આવ્યો ફરી એ કદી.

૧૫૯૭.
પરાગે જરા મ્હેક માગી હતી,
હતી ગોદ માની બગીચા સમી.

૧૫૯૮.
પ્રથમ પ્રેમનું એ ગુલાબી સુમન
કિતાબે દબાયું, હજી મ્હેકતું.

૧૫૯૯.
ન ઝાડો, ન માળા, ન કલરવ હવે,
હવે ફોન ટહુકે સવારે બધે.

૧૬૦૦.
નથી ફોન આવ્યો, નથી કો' ખબર,
છતાં ફોન હાથે રહે રાતદિન.

૧૬૦૧.
ગગન પર ધનુષ સાત રંગો તણું,
મને એક તારો ગમે રંગ બસ.

૧૬૦૨.
પરાગે કદી તાજ માગ્યો નથી,
હવા પર જ રાજા, સુગંધી પ્રજા.

૧૬૦૩.
પિતાજી તણી એ ઘડી હાથમાં
બતાવે સમય, ને સમય એમનો.

૧૬૦૪.
દિવાળી ઉપર ઘૂઘરા ને મઠો,
તબીબો કહે: ‘ખાંડ ભૂલી જજો.’

૧૬૦૫.
ગયો મંદિરે હું નવાં બૂટમાં,
ન દર્શન થયાં, બૂટ ચોરાઈ ગ્યા.

૧૬૦૬.
અરીસો નિહાળે જ દાદી હવે,
કરે ખોજ એ નવવધૂની કશે.

૧૬૦૭.
સમંદર બધું પી ગયો, તોય ખાર,
નદી સો ભળી, તોય મીઠો ન થ્યો.

૧૬૦૮.
પરાગે ન બાંધ્યો કશે પણ મકાન,
ઘરો છે હૃદયમાં બધાનાં, જુઓ.

૧૬૦૯.
ધુમાડે છવાયું નગરનું ગગન,
હવે બાળ તારા જુએ ચિત્રમાં.

૧૬૧૦.
કહે બાળ: ‘ભગવાન ક્યાં છે, કહો?’
જવાબે ભરી બાથ માએ તરત.

૧૬૧૧.
હવે ગાય પ્લાસ્ટિક જમે છે ગલી,
અને મંચ પર ગૌ-કથા ચાલતી.

૧૬૧૨.
હતું એક ઘર, ભીંત વચ્ચે ચણી,
હવે મા ય વારા પ્રમાણે રહે.

૧૬૧૩.
પરાગે ગઝલ ગાઈ કંઠે ભરી,
ભ્રમર ગુંજતા ત્યાં ફરે ડાળ પર.

૧૬૧૪.
હજી સાંભળું રેલ-સીટી, અને
બનું દસ વરસનો ફરી સ્ટેશને.

૧૬૧૫.
ચિતા પર ગયા, તોય આવ્યા બિલો,
જગત ચોપડે નામ ચાલ્યા કરે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૫૩૬–૧૫૮૫આગલો લેખ →છૂટા શેર ૧૬૧૬–૧૬૪૫