છૂટા શેર ૧૩૮૬–૧૪૨૫
૧૩૮૬.
નદી કાંઠે હતી ઊભી, હવે ત્યાં રેત ઊડે છે,
અમારી વાત પણ જાણે બની એ રેતની ઢગલી.
૧૩૮૭.
પિતાએ રોજ શીખવ્યું: ‘બચાવી રાખજે થોડું,’
હવે એ સાચવેલું ધન પિતાની સારવારે છે.
૧૩૮૮.
હતી વાતો ઘણી બાકી, ઘણા કિસ્સા અધૂરા’તા,
અને ગાડી સરકતી ગઈ, હવામાં હાથ લંબાયો.
૧૩૮૯.
ગુલાબો તોડનારાને, ઘડી કાંટા ય પૂછી લે,
સદા ચોકી કરી એણે, ગુલાબો એમના પણ છે.
૧૩૯૦.
હવે તો ગામનું પાદર ઉદાસીથી ભરેલું છે,
ગયાં સૌ છોકરાં પરદેશ, ને વડલો હવે ઝૂરે.
૧૩૯૧.
તમે હસતાં રહો, તો બાગ આખો ખીલતો લાગે,
અને ભીની કરો આંખો, ગગન આખું ય ગાજે છે.
૧૩૯૨.
કબીરે એટલું કીધું: ‘અઢી અક્ષર જ વાંચી લો,’
અમે તો ચોપડા વાંચ્યા, અને ડિગ્રી ઘણી લીધી.
૧૩૯૩.
ખુદાને શોધવા ચાલ્યા, અને સાકી હતો સામે,
ઝુકાવ્યું શિર જરા, તો ત્યાં ખુદા પણ જામમાં દીઠો.
૧૩૯૪.
શરીરે રોગ ઝાઝા, ને દવાઓનો ખજાનો છે,
છતાં ડૉક્ટર કહે છે કે, તમારું મન જ રોગી છે.
૧૩૯૫.
ઉછેરી પાંખ દીધી, ને બધાં પંખી ગયાં દૂરે,
હવે માળો ઉદાસીનો, વસે બે વૃદ્ધ ચકલાંઓ.
૧૩૯૬.
ખરે છે પાન પીળાં, તોય ડાળીને નથી ચિંતા,
ખબર છે કે, વસંતે ફૂટશે કૂંપળ નવી પાછી.
૧૩૯૭.
જમણવારે બધાંને સાસુએ સો વાનગી દીધી,
છતાં સસરા કહે: ‘મારી હજી ક્યાં ખીચડી આવી?’
૧૩૯૮.
તને ભૂલી જવાનું મેં વચન આપ્યું હતું ખુદને,
અને એ વચનને પણ હું વિસર્યો, ના તને ભૂલ્યો.
૧૩૯૯.
હતાં ખિસ્સાં ભરેલાં ત્યાં લખોટી, બોર ને દોરી,
હવે ખિસ્સાં ભરેલાં છે, છતાં ખાલી થયો છું હું.
૧૪૦૦.
અમે માગી હતી ઝરમર, ઉમટ્યો આભ તોડી ત્યાં,
તણાયાં ખેતરો, ને ઝૂંપડી પાણી મહીં ડૂબી.
૧૪૦૧.
પરાગે પાંખડીઓની બનાવી ઓઢણી, તોયે
ભ્રમર ગુંજી ગયો, ને સ્વપ્નમાં એ મ્હેકતો જાગ્યો.
૧૪૦૨.
હજી ખૂણે ટકેલી છે પિતાજીની છડી ઝૂકી,
ભલે ઘર ચાલતું સઘળું, છડી ના ચાલતી એકે.
૧૪૦૩.
નગરમાં મેઘ ગાજ્યો ત્યાં, હતા રસ્તા બધા ખાડા,
અમલદારો કહે: ‘કુદરત તણી આ ભેટ છે, સાહેબ!’
૧૪૦૪.
તમારું નામ લેતાં, હોઠ પર મધ ઓગળી જાતું,
હવે એ નામ લેતાં, આંખમાં પણ પૂર આવે છે.
૧૪૦૫.
હજારો દીપ બળતા’તા દિવાળીએ ઘરે ઘરમાં,
અને ત્યાં ઝૂંપડી કોરી, તરસતી એક દીવાને.
૧૪૦૬.
સમંદરને ખબર ક્યાં કે નદી શું શું સહી આવી,
પહાડોથી પડી, ખેતર ઉગાડી, આખરે ખારી.
૧૪૦૭.
તમે ચાલ્યાં, અને સાથે ગયાં સૌ ગીત ને હાસ્યો,
બચી એકાદ ખુરશી ને ઠરેલો કપ હજી ચાનો.
૧૪૦૮.
નિશાળેથી પરી આવી, ગળે વળગી કહે: ‘પપ્પા,’
ઉતર્યો થાક સઘળો ત્યાં, ઝગી સંધ્યા સજી સોને.
૧૪૦૯.
નથી પૂછ્યું કદી કોણે, મજૂરે શું હતું ખાધું?
ઇમારત જોઈ સૌ બોલ્યા: ‘અહા શું શિલ્પ! શું શોભા!’
૧૪૧૦.
કદી ચૂલે, કદી ખેતર, કદી ઘર, ને કદી બાળક,
બધું ગણતા, ન ગણતું કોઈ માનો આ પસીનો પણ.
૧૪૧૧.
પરાગે શબ્દની વાડી સજાવી રાતદિન જાગી,
થયું ત્યાં ફૂલ એકાદું, હતું એ નામ તારું પણ.
૧૪૧૨.
મને પૂછો ન કારણ, કેમ મૂંગો આજ બેઠો છું,
ઘણું બોલ્યો, છતાં આવ્યા બધા પડઘા જ ખાલી સૌ.
૧૪૧૩.
કહે પૌત્રો: ‘તમે, દાદા, જરા જૂના વિચારોના,’
હસી દાદા કહે: ‘લાવો, મને પણ રીલ દેખાડો!’
૧૪૧૪.
ગઝલ મારી ઘણા ગાશે, ઘણા વાંચી હસી લેશે,
સમજશે જે હૃદયથી એ, રડી પડશે ખરેખર એ.
૧૪૧૫.
તમે જો સાથ હો તો કાંટ પણ ફૂલો સમા લાગે,
નથી તું તો, ગુલાબો પણ હવે કાંટા સમા ખૂંચે.
૧૪૧૬.
નગરમાં આ ઇમારતમાં બધું છે, બસ નથી આંગણ,
ન ચકલી, ના વળી તુલસી, ન ચાંદો ઝાંખતી બારી.
૧૪૧૭.
ઘડીની રેતમાં ધીમે ખરે છે રોજ કણ મારો,
ઉપર ઊભો રહી ઈશ્વર, ઘડીને ફેરવે ઊંધી.
૧૪૧૮.
ચલો મેળે, ફરી ચકડોળમાં બેસી ગગન ચૂમો,
હજી ભીતર વસે છે એક બાળક, હાથમાં ફુગ્ગો.
૧૪૧૯.
નથી પરભાતિયાં, ના એ વલોણાંનો મધુર ઘરઘર,
હવે તો ફોન પર વાગે પ્રભાતી, ને જગાડે છે.
૧૪૨૦.
પરાગે ના કશું માગ્યું, ગમે છે ગામની માટી,
ભળું એમાં, ખરી જાઉં, ફરી ઊગું બની ફૂલો.
૧૪૨૧.
નિશાળે માસ્તરે પૂછ્યું, ‘બનીને શું થવું, બોલો?’
કહે બાળક: ‘બનું મા હું,’ હવે માસ્તર રડી પડતા.
૧૪૨૨.
તમે ઊંચી હવેલીએ, અમે નીચે ગલી વચ્ચે,
છતાં ભીંજાય બંનેનાં નયન વરસાદમાં સરખાં.
૧૪૨૩.
તને પથ્થર ગણે દુનિયા, છતાં હું તો નમું ઝૂકી,
ખબર છે, એક દી’ પથ્થર મહીંથી ફૂટશે ઝરણું.
૧૪૨૪.
પરાગે જિંદગી આખી હવાને નામ સોંપી’તી,
હવે જે શ્વાસ લે, એના હૃદયમાં હું ય થોડો છું.
૧૪૨૫.
પરાગે ફૂલને પૂછ્યું: ‘ખરી જાતાં ડરે છે તું?’
હસીને ફૂલ બોલ્યું: ‘હું ખરું ત્યારે જ ઊડે તું.’
– પરાગ રતનપરા