છેલ્લું ઝાડ
રસ્તો પહોળો કરવાનો હતો.
સર્વે થયો,
લાલ ચોકડીઓ મુકાઈ,
ને એક પછી એક
ઝાડ પડ્યાં.
છેલ્લું ઝાડ
કાપવાનું હતું ત્યારે
એના પર
કાબરનો માળો હતો —
ત્રણ ઈંડાં,
ને ઉપર બેઠેલી મા.
કામદારે કરવત નીચે મૂકી,
સાહેબને પૂછ્યું.
સાહેબે ઘડિયાળ જોઈ.
બીજે દિવસે
રસ્તો પહોળો થયો.
હવે ત્યાં
ચાર લેન છે,
સ્ટ્રીટલાઇટ છે,
ને એક થાંભલા પર
રોજ સાંજે
એક કાબર બેસે છે —
કોઈ ખોવાયેલી ડાળ
શોધતી હોય એમ.
– પરાગ રતનપરા