← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લી ઇચ્છા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાઉં ત્યારે ઢોલ ન વગાડજો, રડજો ન છાતી ફૂટી,
આંગણે મારા લીમડે બાંધજો એક નાનકડી ખૂંટી.

ખૂંટી ઉપર લટકાવજો મારી જૂની મેલી પાઘ,
ચકલી આવી માળો બાંધે, એ જ મારો ભાગ;
એ ચીં ચીં કરતાં કહેશે સૌને: ‘ડોસો ગયો છે છૂટી’…
જાઉં ત્યારે…

મારી લાકડી પૌત્રને દેજો, ઘોડો કરી એ દોડે,
મારાં ચશ્માં બારીએ મૂકજો, તડકો એમાં ઓઢે;
મારી ડાયરી નદીમાં વહાવજો, વાંચશે માછલી ઘૂંટી…
જાઉં ત્યારે…

પરાગ કહે: રાખ મારી વેરજો આંબાવાડીની ધૂળે,
આવતા વૈશાખે હું આવીશ કેરીના રસને મૂળે;
મીઠો થઈને ઘેર આવીશ, જાણે નવી કોઈ બૂટી…
જાઉં ત્યારે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભીનું થયુંઆગલો લેખ →શિખર