ચશ્માં
દાદા
આખું ઘર ફેંદી વળ્યા —
ઓશીકા નીચે,
છાપાની ગડીમાં,
ભગવાનના ગોખલે,
ફ્રીજની ઉપર.
‘મારાં ચશ્માં ક્યાં?’
દસ વરસની ઢીંગલી
ખિલખિલ હસી:
‘દાદા, તમારા નાક પર!’
દાદા પણ હસ્યા,
ચશ્માં ઠીક કર્યાં,
ને ઢીંગલીને માથે હાથ ફેરવ્યો.
પછી
બારીએ બેસી
ધીમેથી બોલ્યા:
‘આખી જિંદગી
ઈશ્વરને પણ
આમ જ શોધ્યો —
મંદિરે, તીરથે, ગ્રંથોમાં…
કોઈ ઢીંગલી
કહેનારી ન મળી
કે એ તો
આંખ પર જ બેઠો છે.’
– પરાગ રતનપરા