← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદો ને ભરતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું પૂનમનો ચાંદો, સાજન, હું દરિયાની ભરતી,
રોજ ઊછળું તારી ભણી, ને રોજ પાછી ફરતી.

તું ઝરૂખે આભને બેઠો, હું કાંઠાની રેતી,
તારું અજવાળું પહેરીને હું આખી રાત વહેતી;
અડવા જાઉં ત્યાં તો જાણે આભ ઊંચું થાતું,
મોજે મોજે તને લખું, ને કિનારે હું મરતી…
તું પૂનમનો ચાંદો…

અમાસે તું ના દેખાય, તો હું ય ઓટ થઈ જાઉં,
પાછો આવે બીજને દિ’ તો ફરી હું ગીતો ગાઉં;
લોક કહે ‘આ ઘેલી દરિયો’, હું કહું: ‘આ પ્રીત’,
વચ્ચે લાખ જોજન તોયે, હું તો તારે નામે સરતી…
તું પૂનમનો ચાંદો…

પરાગ કહે: આ મળવું શું ને શું છે આ વિખૂટું?
જે ખેંચે, ને જે ખેંચાય, એ બંધન છે અતૂટું;
ના મળ્યાં તો ય સદીઓથી બેઉ સાથે જીવે,
આ ઝુરાપો જ છે કદાચ, સાચી પ્રેમની ધરતી…
તું પૂનમનો ચાંદો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફકીરીઆગલો લેખ →કોયલનાં ઈંડાં