← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદની થઈને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતે તારી નીંદરમાં હું ચાંદની થઈને આવીશ,
પાંપણ પર બેસી, સાજન, ધીમું ગીત સુણાવીશ…

ચાંદનીનો ઘોડો લઈ આવીશ તારે દેશ,
તારલિયાનો હાર ને પવનનો પહેરી વેશ;
તારા ઓશીકે મૂકીશ એક મોગરાનું ફૂલ,
સવારે સૂંઘે ત્યારે સમજજે મારી ભૂલ…
રાતે તારી નીંદરમાં…

દિવસે તો તું દોડે ઑફિસ, ફાઈલ ને ફોન,
રાતે તો પૂછીશ હું, ‘સાચું કહે, હું કોણ?’
જાગતાં તો ક્યાં તારે મળવાનો છે સમય?
સપનું એ જ સરનામું, જ્યાં ન નડે કોઈ ભય…
રાતે તારી નીંદરમાં…

પરાગ કહે: સપનાંમાં મળવું એ પણ મળવું,
દરિયે ભરતી ન હો તોય મોજાંનું ઊછળવું;
આંખ ખોલીને જોજે, ઓશીકું ભીનું હશે,
એ મારી આંખનું ઝાકળ, ને તારું ગીત હશે…
રાતે તારી નીંદરમાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએ બોલી નહીંઆગલો લેખ →મેઘનું વચન