ચાંદામામા
ચાંદામામા, ચાંદામામા, ઊતરો મારે ઘેર,
દૂધ-ભાતની વાટકી રાખી, ખાજો મારી ભેર.
તમે તો રોજ આભે ફરો, ના નિશાળ, ના લેસન,
મારે તો દફતર ભારે, ને ટીચરનું ટેન્શન;
એક દિવસ તમે ભણજો, ને હું ફરું આભે સહેલ…
ચાંદામામા…
તારલિયાને તેડી લાવો, રમીએ સંતાકૂકડી,
વાદળ પાછળ તમે છુપાજો, હું ઓઢી લઉં ગોદડી;
ગણતાં ગણતાં ઊંઘી જાઉં, તોય ના છોડું ખેલ…
ચાંદામામા…
પરાગ કહે: બા બોલી, ‘બેટા, ચાંદો તો છે દૂર,’
મેં કહ્યું: ‘બા, જો તો ખરી, થાળીમાં ઝળહળ નૂર!’
પાણીની થાળીમાં ચાંદો, ને ઘરમાં હરખની હેલ…
ચાંદામામા…
– પરાગ રતનપરા