ચાલ મનવા
ચાલ મનવા, ફરી બાળક થઈએ,
કાગળની હોડી, ધૂળનાં ઘરમાં રહીએ…
નહીં કોઈ ચિંતા, નહીં કોઈ હપ્તા, નહીં ઑફિસનો ભાર,
ગિલ્લી-દંડો, લખોટી, ભમરડો, એ જ આખો સંસાર;
ભૂખ લાગે તો બાને ખોળે, રડવું હો તો રડીએ…
ચાલ મનવા…
ઝાડે ચડીને કેરી તોડીએ, માળી ભલે ને ખીજે,
પડીએ, ઘૂંટણ છોલાય, ને પાછા ઊભા થઈએ બીજે;
ઝઘડીએ ને પળમાં ભૂલીએ, ‘કિટ્ટા-બુચ્ચા’ કહીએ…
ચાલ મનવા…
પરાગ કહે: મોટાપણાનું ભારેખમ આ પોટલું,
ઘડીક નીચે મૂકી, હસીએ મોકળું ને ભોળું;
ઈશ્વર પણ ત્યાં હાજર, જ્યાં નિર્દોષ થઈને રમીએ…
ચાલ મનવા…
– પરાગ રતનપરા