બોલાવે
હવે વેચાઈ ગ્યું એ ઘર, છતાં એ રાત બોલાવે,
અધૂરી બા તણી સાથે હતી જે વાત, બોલાવે.
દિવાળીએ ભરેલો જે, હજી એ સાથિયો ઝાંખો,
ઘસાયેલી છતાં એ ઉંબરાની ભાત બોલાવે.
પિતાની ખાટ પર જામેલ ધૂળે નામ લખ્યું'તું,
મને એ ધૂળમાં ખોવાઈ મારી જાત બોલાવે.
નવા ફ્લેટે ઘણાં ઝુમ્મર, ઘણી સુંદર સજાવટ છે,
મને તોયે ધુમાડાની ભરી સોગાત બોલાવે.
પરાગે દોડ આખી જિંદગી કીધી, અને થાક્યો,
હવે ખોળો ધરીને સાંજના એ માત બોલાવે.
– પરાગ રતનપરા
#ગઝલ #જૂનુંઘર #અતીત #બા #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #PastCalls #Mother #Belonging #ParagRatanpara