બોલ ને
રીસ છોડી, હોઠ ખોલી, આજ થોડું બોલ ને,
ચા ઠરી, ને સૂર્ય ડૂબ્યો, સાવ મોડું, બોલ ને.
ભૂલ મારી, વાંક મારો, માફ કર, હું તો કહું,
તું કહે તો ચાંદ-તારા હું ય તોડું, બોલ ને.
બા ય પૂછે, ‘શું થયું છે? કેમ ગુમસુમ બેઉ છો?’
જો, ચલો, તૂટેલ દોરો આજ જોડું, બોલ ને.
હીંચકો ઝૂલે નહીં, ને બારણું પણ ચૂપ છે,
મૌનનું આ પોટલું હું ક્યાંક છોડું? બોલ ને.
એક તારા હાસ્યથી આ બાગ મ્હેકે છે, પરાગ,
હું ગઝલની શાલ તારે નામ ઓઢું, બોલ ને.
– પરાગ રતનપરા
#ગઝલ #રિસામણાં #પ્રેમ #દાંપત્ય #મનામણાં #પરાગરતનપરા
#GujaratiGhazal #LoversTiff #MaritalLove #MakingUp #BreakTheSilence #ParagRatanpara