ભૂલવા બેઠી
ભૂલવા બેઠી તો ભૂલી બેઠી હું મને,
પણ તમે ના ભુલાયા, સાજન, ક્યાંય રે…
ઓસરીએ મેં ઢોલિયો ઢાળ્યો, ઢાળી દીધી રાત,
ચાંદે આવી ઓશીકે મૂકી તમારી વાત;
ઊંઘ ગઈ જે ઊડી, પાછી આવી ના રે કાંય…
ભૂલવા બેઠી…
કૂવે ગઈ તો જળમાં દેખું તમારો પડછાયો,
વાડીએ ગઈ તો મોરે તમારો ટહુકો ગાયો;
ઘરમાં પાછી આવી, ઘરમાં તમે જ સઘળે છાંય…
ભૂલવા બેઠી…
પરાગ કહે: જે ભૂલવા બેસે, એ જ વધુ સંભારે,
ગાંઠ છોડવા દોરો ખેંચે, ગાંઠ પડે બમણી ત્યારે;
હવે ન ભૂલું, ન સંભારું, બસ જીવું તમ માંય…
ભૂલવા બેઠી…
– પરાગ રતનપરા