ભીતરનો દેવ
કણ કણમાં તું ઝળહળ ઝળકે, તોય તને હું શોધું રે,
ગામ ગામનાં મંદિર ભટક્યો, ભીતર ના મેં ખોદ્યું રે.
સવાર પડતાં સૂરજ થઈને આંગણિયે તું આવે,
સાંજ પડે ત્યાં તારો થઈને ઓસરીએ મલકાવે;
ગાયના ભાંભરડામાં તું, ને તું જ વાછરડે ધાવે,
આંખ ઉઘાડી તોય ન જોયું, એવું તે શું ઓઢ્યું રે?
કણ કણમાં તું…
કીડીની હારે હાર બનીને તું જ ચાલ્યો જાય,
ખેડુના પરસેવે ટપકે, ધરતીમાં પથરાય;
રોટલે બેઠો, પાણીએ પીધો, તોય ન ઓળખાય,
ઘંટ વગાડ્યા, ધૂપ ધર્યા, પણ મનડું ના મેં ધોયું રે…
કણ કણમાં તું…
પરાગ કહે: આ ફૂલની ભીતર જે ઝીણી રજ મ્હેકે,
એ જ તારું સરનામું, જે શ્વાસે શ્વાસે બ્હેકે;
બારે આવ્યો, પાછો વળ્યો, ભીતરનો દીવો ચેતે,
તારું દર્શન કરવા જાતાં મેં જ મને ત્યાં જોયું રે…
કણ કણમાં તું…
– પરાગ રતનપરા