ભીંત વગરનું ઘર
પુલ નીચે
એક ઘર છે —
ભીંત નથી,
બારણું નથી,
સાંકળ નથી.
ત્રણ ઈંટનો ચૂલો,
એક ફાટેલી ચાદર,
એક તૂટેલો અરીસો
અને બે બાળકો.
વાવાઝોડું આવે છે
તો એને કશું
તોડવાનું મળતું નથી;
થોડી વાર
ગોળ ગોળ ફરીને
થાકીને
ચાલ્યું જાય છે.
અમારાં ઘરોમાં
ભીંતો છે,
ને ભીંતો પર
તિરાડો.
એ ઘરમાં
ભીંતો નથી,
એટલે
રાતે મા ગીત ગાય છે
તો આખું આકાશ
એ સાંભળે છે.
– પરાગ રતનપરા