ભીની સાંજ
ભીની ભીની સાંજ પડી, ને ઝરમર ગાતી હેલી,
છત્રી મૂકી ચાલ્યો આવ, સાજન, મેડીએ હું એકલી…
ગલીએ ગલીએ ખાબોચિયાં, ને ઝાડે ઝાડે ટહુકા,
ગરમ ભજિયાંની સોડમ સાથે આવે યાદના ભડકા;
ચાના બે કપ મૂક્યા છે, એક ઠરશે, જાણું વહેલી…
ભીની ભીની સાંજ પડી…
વીજળી ચમકે ત્યાં ડરી જાઉં, ને તને સંભારું,
ઝરૂખે ઊભી ભીંજાઉં, ને હૈયું થાય અંધારું;
વાદળ પણ સમજે છે, સાજન, આ વિરહની પહેલી…
ભીની ભીની સાંજ પડી…
પરાગ કહે: વરસાદ તો આવે, ને પાછો જાય,
પણ ભીંજાયેલી સાંજ કદી સુકાતી નહીં, હાય!
આજ ન આવ્યો તો, સાજન, આખું ચોમાસું રહેશે મેલી…
ભીની ભીની સાંજ પડી…
– પરાગ રતનપરા